ઉપવન


રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે

રુદન કોઇને ગમતું નથી છતાં રુદન પણ ખુશીની જેમ કયારેક કયારેક આવે છે ચોક્કસ. જીવનમાં હસીને જે મળતું નથી તે આંખથી ટપકતાં આંસુથી મળી જાય છે. મનને હળવું કરવા રુદનથી વધુ બીજો કોઇ હાથવગો ઉપાય નથી. હસતાં હસતાં પણ આંખો છલકી પડે છે.

જિંદગીનું ગણિત કેટલીક બાબતોમાં કિઠન બની જાય ત્યારે આંસુનો સરવાળો દર્દની બાદબાકી માટે સરળ માર્ગ સાબિત થાય છે. જીવનની સફરમાં રુદનના પ્રસંગો દરેક માટે બોજારૂપ હોતા નથી. ઘણી વાર રુદન, મન અને જીવનનો માર્ગ મોકળો કરવા નિમિત્ત પણ બને છે.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

રુદનમાં વાસ્તવિકતા છે, ને હસવામાં અભિનય છે

સૈફ પાલનપુરીએ જિંદગીનો પરિચય એ રીતે આપ્યો છે કે માણસ રુદનના સમયે વાસ્તવિક હોય છે, ને હસતી વખતે તે મોટા ભાગે અભિનય કરતો હોય છે. ઘણી વ્યકિતઓ આંસુને છુપાવવા પણ અટ્ટહાસ્ય કરી નાખતી હોય છે. આંખથી ટપકતાં આંસુમાં જ સાચી કહાણી ધબકતી હોય છે. હાસ્યમાં કહાણીનો કે જીવનનો મર્મ પકડાતો નથી. રુદનમાં વાસ્તવિકતા હોવાથી જિંદગીનો સાચો પરિચય અહીં સરળતાથી મળે છે.

હસતી હતી સદાય કળી, એય આજકાલ

ઝાકળની જેમ રોઇ પડે છે જરાકમાં

અમૃત ઘાયલે કળીના પમરાટને હસવા સાથે સરખામણી કરી છે. મોંસૂઝણુ પહેલાં ફૂલો પર ઝાકળ હોય તેમ હસતી કળી જાણે રડી પડતી હોય તેવું લાગે. જીવનમાં પણ હરહંમેશ સ્મિત ફેલાવતો ચહેરો કયારે ભીની આંખે રડી પડે તે ન કહેવાય. ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે પણ જયારે બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઇ ગણતરી હોતી નથી. તેનો કોઇ ઝાકળની જેમ સવાર પહેલાંનો સમય પણ હોતો નથી. મન ભરાઇ આવે ત્યારે આંખ ભીની થાય છે.

જીવનનું ગણિત શૂન્ય ઉપર થૈ ગયું પૂરું,

હું થોડું હસ્યો થોડું રડયો થૈ ગયું સરભર

શેખાદમ આબુવાલાએ સરળ ભાષામાં જીવનનું ગણિત સમજાવ્યું છે. જયાં ખુશી અને ગમ સરભર થૈ જાય ત્યાં જીવન પૂરું થયું સમજી લેવું. આ સરભર થયેલું જીવન શૂન્ય પણ હોઇ શકે. દરેકની જિંદગીમાં ખુશીના અને રુદનના પ્રસંગો ચલચિત્રની જેમ બદલતા હોય છે. ખુશીના પ્રસંગોએ પણ આંખો છલકી પડે, પણ રુદનના સમયે તો હાસ્યને હંમેશાં બહારવટો જ ભોગવવો પડે.

હું રડું છું દિવસથી રાત સુધી

એમને જાણ હોય તો સારું

મનહર મોદીએ જુદી વાત કરી છે. જેના માટે દિવસથી રાત સુધી આંસુ છલકાવો તેની એમને જાણ છે ખરી? એ વાત અલગ છે કે રડતાં રહો ને કોઇ આશ્વાસન પણ નહીં મળે. ઘણી વાર જેના માટે દર્દથી આંખો ભીની થઇ હોય, તેને તો આપણી ખબર પણ નહીં હોય. રુદનમાં કોઇનો સાથ મળતો નથી. હાસ્યમાં સંગાથ મળે, પણ રુદન તો એકલાએ જ સહેવું પડે. રુદનથી મન હળવું થાય છે પણ એ ખુમારી ગુમાવીને થવું ન જોઇએ.આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.

હનીફ મહેરી

Advertisements

બાળકનું સ્મિત


બાળકના
સ્મિતને
તમે
ખીલતા ફૂલ સાથે
ન સરખાવો.
કારણ કે,
બાળક ના સ્મિતને
ફૂલની જેમ
મુરઝાઈને
ડાળ પરથી ખરી જવાનો
ડર હોતો નથી.

હનીફ મહેરી. સુરત

નદી


દરિયાને

નજીકથી

જોજો, તેમાં

તમને ઘણી નદીઓ

રમતી જોવા મળશે.

મેં એક ઢળતી સાંજે

દરિયાને ખૂબ નજીકથી

જોયો હતો, ત્યારે મને મારી

ગામની નદીએ હળવેકથી

કહ્યું હતું, હું પણ હવે

શહેરની થઈ ગઈ.

    હનીફ મહેરી. સુરત

હંમેશને માટેહું હવે આશ્રિત છાવણીમાં રહું છું.

કાશ્મિરી પંડિતની જેમ.

મારું ગામ, ફળિયું અને ઘર

છોડ્યાંને વરસો થયાં…

વરસોથી શહેરમાં કોઈ

અજાણ્યા પડોશીઓની વચ્ચે

જિંદગી કાપું છું.

મને યાદ આવે છે

મારું બાળપણ, મારી શાળા,

મારા બાળપણના મિત્રો.

મને યાદ આવે છે મારું ગામ,

જ્યાં ત્રણ પેઢીથી એકમેકનો

સંબંધ સચવતો હતો.

પડોશીથી ફળિયું,

અને બીજા ફળિયાઓ સુધી

એકબીજા વચ્ચે આત્મીયતાનો

સંબંધ પણ અકબંધ હતો.

પણ, હવે આ શહેરની ભીડ વચ્ચે

હું એકલતા અનુભવું છું.

આમ તો અહીં બધું જ છે.

બધી સુવિધાઓ વચ્ચે,

માત્ર નરી ભૌતિકતાથી મારું

મન કચવાય છે.

મને મારું વતન સાંભરે છે.

હું હવે એકલો થઇ જાઉં છું,

કોઈ આશ્રિતની જેમ.

મારી જેમ તમે પણ આ અનુભૂતિ

કરી હશે.

આપણે કેટલા બેબસ બની ગયા છીએ !

કાશ્મીરના પંડિતો તો મજબુરીથી

આશ્રિત છાવણીમાં રહે છે.

પણ આપણે તો જાતે જ

સામે ચાલીને આશ્રિત છાવણીઓમાં ગોઠવાઈ ગયાં છીએ;

જ્યાં રહેવું હવે આપણી આદત બની ગઈ છે,

કદાચ હંમેશને માટે…

હનીફ મહેરી. સુરત

એ પેન ને પાટી


આજે ઘણા વરસ બાદ
ધૂળથી ઢંકાયેલું મારું જૂનું

દફતર મળી આવ્યું. ખૂબ વિસ્‍મય થઈ

દફતરને નજીક લાવી ચશ્માં ચઢાવી જોયું,

આ એ જ દફતર હતું

જે મારી શાળાના

પહેલાં દિવસનું સાક્ષી

બન્યું હતું.

દફતર પરથી ધૂળ ખંખેરી

ત્યારે

બાળપણના પેલા

જાજરમાન દિવસો ફરી

આંખ સામે તરવરી ઊઠ્યા.

મારા સ્મૃતિપટ પર

મારો શાળા પ્રવેશ

ઝળહળી ઊઠ્યો.

દફતર ખોલીને જોયું તો

અંદર મારી પાટી હતી.

કાળી પાટી વચ્ચેથી તરડાઈ

ગઈ હતી.

ક્યાં પડી ગઈ હશે આ પાટી ?

કશું યાદ આવતું નથી.

દફતરના એક ખૂણે

પેનના થોડા ટુકડાઓ હતા.

દોસ્તો થી સાચવીને રાખેલા

એ પેનના ટુકડાઓને મારી

આંગળીનાં ટેરવાં સ્પર્શે છે

અને હું રોમાંચિત થઈ

જાઉં છું.

આ એ જ પેન છે

જેનાથી મેં મારી ભાષાનો

પહેલો અક્ષર ઘૂંટ્યો હતો.

એ પેનના સ્પર્શથી

હું બાળકની જેમ

ખડખડાટ હસી પડું છું.

ને અચાનક મારી આંખ

ઉઘડી જાય છે.

ખુરશીની સામે ટેબલ પર

મૂકેલા લેપટોપમાં

સેવ કરવા મૂકેલી

નવી ફાઈલ હજી

એક એન્ટર મારવાની

રાહ જુએ છે.

હું મારી આંગળીનાં ટેરવાં તરફ

જોઉં છું અને લેપટોપ પર

એન્ટર મારું છું

જાણે,

પેનનો સ્પર્શ હજી અહીં

અકબંધ છે !

હનીફ મહેરી. સુરત