ગઝલ


નયનથી    ખરેલી   ગઝલ  છે
ને મનથી   લખેલી   ગઝલ  છે

બનાવટ    અહીં   હોય  ક્યાંથી
હ્રદય     ઠાલવેલી   ગઝલ  છે

તડપશે      હરણ     વેદનાથી
કરૂણાં      મઢેલી    ગઝલ  છે

હરખવું     મળે   છે   હઝલમાં
ગમોથી      લચેલી  ગઝલ  છે

તમે     સાંભળો   સૌ   હ્રદયથી
આ    મારી   રચેલી  ગઝલ  છે

  • હનીફ મેહરી

 

 

Advertisements

ગઝલ


સરળ   જીવનની  ભાષા  શીખવે  છે મા,
હવે  તો  મારા   માટે  બસ  જીવે  છે મા.

બધાંની     કેટલી     ચિંતા   રહે   એને
જમાડે   છે    બધાંને   ને   જમે   છે મા.

ખુશી    મારી,   હવે    તેને  ખુશી  આપે,
જરા   દુઃખી   હું  થાઉં  તો   રડે   છે મા.

બધું   ભૂલે  ભલે   એની  આ આંખો  પણ
હજી  મારો  આ  ચહેરો    ઓળખે   છે મા.

નજર   ઝાંપાથી  રસ્તા  પર  રહે  હરદમ,
પ્રતીક્ષા     હરઘડી    મારી   કરે  છે મા.

મળે  જન્નત   મને  બસ  માનાં  ચરણોમાં
ખુદા      તારી    કૃપાઓમાં   રહે   છે મા.

યશોદા,     આયશા   કે    હોય   આમેના,
હનીફ   મા   કોઇ  હો,   સૌને  ગમે  છે મા.

– હનીફ મેહરી

ગઝલ


અમે તો  રહ્યા બસ ફલાણા ફલાણા
કહ્યું  તે  જરા  ખસ  ફલાણા ફલાણા

અમારી છે  હસ્તી  અજાણી અજાણી
મળો યા લખો બસ ફલાણા ફલાણા

કદી  એ  મથુરા  તો  કાશી  કદી  એ
ફરે   છે  બનારસ   ફલાણા   ફલાણા

કદી  રામ  અલ્લાહ  જુદા  નથી  તો
કહે   કેમ   માણસ   ફલાણા  ફલાણા

કરી  એક  વસિયત   ફકરોએ  એવી
બની  જાય  વારસ  ફલાણા  ફલાણા

કદમ  એ  ઘડીએ  જ  થંભી  જવાના
કહું   છું   હવે   ધસ  ફલાણા  ફલાણા

– હનીફ મેહરી

 

ગઝલ


કરું છું જામ ખાલી તો તમારી યાદ આવે છે,
ફરી પકડું હું પ્યાલી તો તમારી યાદ આવે છે.

તમારી યાદમાં મારી દશા એવી બની ગઇ છે,
મળે નાકે ટપાલી તો તમારી યાદ આવે છે.

બને મોસમ ગુલાબીને કરે કોયલ ટહૂકાઓ,
ઝુલે ફૂલોની ડાલી તો તમારી યાદ આવે છે.

– હનીફ મેહરી.

હું બધાથી પર નથી


હું બધાથી પર નથી,
છું બસર ઇશ્વર નથી.

જ્યાં વિષય શ્રદ્ધાનો છે,
ત્યાં કશે પથ્થર નથી.

લાગણી ઘૂંટ્યા કરો,
ને કહો છો સ્વર નથી.

સાચવી લો આ ક્ષણે,
ફૂલ છું અત્તર નથી.

તું હશે તો ઘર હશે,
તું નથી તો ઘર નથી.

શહેરમાં યુધ્ધો સતત,
સરહદે લશ્કર નથી.

બંદગી કરજો હનીફ,
કૈં ખુદા દર દર નથી.

હનીફ મેહરી. વલસાડ

આંગળી ઊંચી કરો


 

કોણ    ચોરી   જાય  માખણ ?      આંગળી  ઊંચી કરો
હું  કે    કહાનો   કે તમે પણ ?       આંગળી  ઊંચી કરો

રોજની        ઘટમાળમાં    આ    જિંદગી    જીવાય  છે
અંત   વેળા  કઇ  છે  કારણ ?       આંગળી  ઊંચી કરો

શહેરમાં      તડકો    છે    તડકો,   કેટલો   તડકો  બધે
લીમડાવાળું     છે     આંગણ ?     આંગળી  ઊંચી કરો

છે  અલગ  ભાષા, અલગ  બોલી, અલગ છે  પ્રાંત પણ
દેશ  આ  એક,   એક   જણગણ      આંગળી  ઊંચી કરો

આંગળી       ઊંચી   કરો    એ    રીતથી   આજે  હનીફ
ગર્વ       સાથે     સૌ   કહે  જણ      આંગળી  ઊંચી કરો

  • હનીફ મહેરી

તેજનો ઝબકારો


આ પાર કે પેલે પાર
જિંદગીમાં ઘણીવાર
એવા પ્રસંગોએ
હું દ્વિધા અનુભવું છું.
ને આરપાર પરોવાઇ
જવાનું વિચારું છું પણ,
દરેક વખતે કોઇને કોઇ
મને રોકે છે, કોઇને કોઇ
મને ટોકે છે. અને હું
ગોળાકારના મધ્યબિંદુએ
ઊભો સાત કોઠા
પાર કરવા અભિમન્યુંની
જેમ મથું છું સંકટની આ
ઘડીમાંથી બહાર નીકળવા.
પણ ચારેકોર ફેલાયેલા
અંધકાર વચ્ચે
મને તેજનો ઝબકારો દેખાતો નથી.
કદાચ સમય પસાર થતાં એ દેખાય પણ ખરો ?
હું પ્રતીક્ષા કરું છું… કદાચ તમે પણ મારી જેમ
જિંદગીના વેઇટિંગરૂમમાં બેઠા આવી કોઇ તેજસ્વી ઘડીની
પ્રતીક્ષા કરતા હશો. સમયના વહેણમાં ઘણું બધું બદલાઇ
ગયું છે. પણ નથી બદલાઇ પ્રતીક્ષા ખંડોમાં રાહ જોતી આપણી
જિંદગી… જેને તેજના ઝબકારાની ઉમ્મિદ છે.
– હનીફ મેહરી